ઠંડી હજી અઠવાડિયું ધ્રુજાવશે:હિમાલયથી ફૂંકાતા ઠંડા અને સુસવાટા બોલાવતા પવનએ રાજ્યને ઠંડુંગાર બનાવ્યું

ઉત્તર-પૂર્વના કાતિલ હિમ પવનની અસરથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળતાં લોકો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હિમાલય વિસ્તારમાં થયેલી હિમવર્ષાની અસરથી રવિવારે મોડી સાંજથી સોમવાર સવાર સુધી કાતિલ ઠંડો પવન ફૂંકાયો હતો. આકાશમાં વાદળોનું પ્રમાણ વધતાં ઠંડો પવન સીધા જમીન તરફ આવતાં ઠંડીનો પારો ગગડ્યો હતો. બપોર સુધી સુસવાટા સાથે ઠંડો પવન ચાલુ રહેતાં વાતાવરણમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું, જેની અસર આજે પણ જોવા મળી હતી.

અમદાવાદમાં સોમવારે લઘુતમ તાપમાન 7.6 ડીગ્રીએ પહોંચતાં એક વર્ષ બાદ જાન્યુઆરીમાં સૌથી નીચું લઘુતમ તાપમાન નોંધાયું હતું. આગામી બે દિવસ દરમિયાન અમદાવાદમાં ઠંડીનો પારો 10 ડીગ્રીની આસપાસ રહ્યા બાદ ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે.

શનિવાર સુધી 11 ડીગ્રી આસપાસ તાપમાન રહેશે
હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી શનિવાર સુધી 11થી 14 ડીગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહી શકે છે. ગાંધીનગરમાં કાતિલ ઠંડી પડતાં રેકોર્ડ 5.3 ડીગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં આગામી ચાર દિવસ 8થી11 ડીગ્રીની આસપાસ લઘુતમ તાપમાન થઈ શકે છે. ગત વર્ષે ગાંધીનગરમાં 24 જાન્યુઆરીના 4.3 ડીગ્રી સાથે જાન્યુઆરીનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં અન્ય વિસ્તારોમાં 10 ડીગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધાયું છે એમાં ડીસા, પાટણ, પોરબંદર, દાહોદ, રાજકોટ, જામનગર, ભુજ, અમરેલી, કંડલા છે.

11 વર્ષમાં 10 વાર 10 ડીગ્રીથી ઓછું તાપમાન
હવામાન વિશેષજ્ઞના જણાવ્યા મુજબ, અમદાવાદમાં એક વર્ષ બાદ જાન્યુઆરી મહિનામાં સૌથી નીચું 7.6 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. આ પહેલાં 24 જાન્યુઆરી 2022ના રોજ અમદાવાદમાં સૌથી નીચું 6.7 ડીગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ પહેલાં 25 જાન્યુઆરી 2016ને દિવસે જાન્યુઆરીમાં સૌથી નીચું 7.5 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આગામી બે દિવસ દરમિયાન અમદાવાદમાં ઠંડીનો પારો 10.0 ડીગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી ઠંડીનું જોર યથાવત્ રહેશે

11 વર્ષમાં 10 ડીગ્રીથી નીચે સરકેલો પારો
વર્ષ તાપમાન (ડીગ્રીમાં)
24 જાન્યુ. 2022 6.7
30 જાન્યુ. 2021 9.5
8 જાન્યુ. 2020 8
21 જાન્યુ. 2019 9
31 જાન્યુ. 2018 8.6
25 જાન્યુ. 2017 9.5
25 જાન્યુ. 2016 7.5
6 જાન્યુ. 2014 7
5 જાન્યુ. 2013 7.5
6 જાન્યુ. 2012 7.1
છેલ્લા 24 કલાકમાં તાપમાન
શહેર
તાપમાન(લઘુતમ ડીગ્રીમાં)
નલિયા 2
ગાંધીનગર 5.3
પોરબંદર 6.2
દાહોદ 6.7
ડીસા 7
પાટણ 7.1
રાજકોટ 7.3
જામનગર 7.3
અમદાવાદ 7.6
ભુજ 7.6
અમરેલી 9
કંડલા 9.1
ભાવનગર 10
છોટાઉદેપુર 10.1
વડોદરા 10.4
સુરત 12.2
દ્વારકા 13
જૂનાગઢ 13

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*